Politics : હોળાષ્ટક પૂર્ણ થતા જ શું આવી ગયું મંત્રીમંડળ વિસ્તરણનું મુર્હત ?

Gujarat Politics News : હોળાષ્ટક પુર્ણ થતા જ ફરી ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં વિસ્તરણ થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાતમાં મંત્રીમંડળમાં ( Politics
)વિસ્તરણ ક્યારે એ ચર્ચા અવારનવાર થતી રહેતી હોય છે. ગતવર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી ટિપ્પણી કરી હતી. રૂપાણીએ મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ”ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું કદ અત્યારે તો માત્ર 17 મંત્રીઓનું છે એટલે વિસ્તરણની શક્યતા ખરી, એ થશે” મહત્વનું છે કે, અત્યાર સુધી રાજ્યમાં ભાજપની સરકારોમાં  ( Politics )મંત્રીમંડળના વિસ્તરણની વાતો ભાજપમાંથી ખાનગીરાહે ઉઠતી રહી છે. જો કે, કદ્દાવર આગેવાનો જાહેરમાં નિવેદનો આપતા ભૂપેન્દ્ર પટેલની સરકારનુ વિસ્તરણ ક્યારે થશે? તેમા કોને સમાવાશે કોનુ મંત્રીપદ જશે ? મુદ્દે ચર્ચા અને અટકળોનું બજાર ગરમ છે.

મંત્રીમંડળમાં વિસ્તરણ ટૂંક સમયમાં

મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક કોંગ્રેસ ગોત્રના નેતાઓને મંત્રી બનાવીશું એવા વચનો આપી પક્ષપલટો કર્યો હતો અથવા તો કરાવવામાં આવ્યો હતો. ત્યારથી આ તમામ નેતાઓ મંત્રી પદ ક્યારે મળે તેની કાગડોળે રાહ જોઈ બેઠા છે. ત્યારે હોળાષ્ટક પુર્ણ થયા, આ ઉપરાંત તાજેતરમાં જ વડાપ્રધાન મોદી ( Modi) અને ગૃહમંત્રી અમિત શાહે ( Amit Shah ) પણ ગુજરાત પ્રવાસ કર્યો ત્યારે મંત્રીમંડળમાં વિસ્તરણ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ તેની ચર્ચાએ ફરી બજાર ગરમ કરી છે.

કેટલાક મંત્રીઓની બાદબાકી નક્કી ?

સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યારના મંત્રીમંડળમાંથી કેટલાક મંત્રીઓની બાદબાકી થાય તે પણ શક્ય છે. ભાજપના આંતરિક વર્તુળો જણાવે છે કે, કેટલાંક મંત્રીઓને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. તેઓ પોતાના ખાતામાં કેટલા સફળ રહ્યા કે નિષ્ફળ તેના પણ નિર્ણય લેવાશે, આ સિવાય અનેક નેતાઓના ભરોસા – વિશ્વાસની પરીક્ષા પણ થશે. આ સિવાય કેટલાંક મંત્રીઓને બઢતી સાથે કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવશે અને નવાઓને ફરી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે સૌથી વધુ ખાતા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે અત્યારે સૌથી વધારે ખાતા છે. મુખ્યમંત્રી પાસે 13 થી વધારે મહત્વના ખાતા છે. જેમાં મહેસૂલ, બંદર અને શહેરી વિકાસ જેવા પણ મહત્વના ખાતા મુખ્યમંત્રી પાસે છે. જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો મુખ્યમંત્રીનો પણ ભાર પણ હળવો થાય એટલે મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે.

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની કતાર લાંબી

મંત્રીમંડળની ( Politics )રાહ જોઈ રહેલા નેતાઓની કતારમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની કતાર લાંબી છે.કારણ કે સત્તા માટે તેઓએ પક્ષપલ્ટો કર્યો હતો. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ચૂંટણી જીતેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાનું નામ મોખરે છે. અર્જુન મોઢવાડિયા પોરબંદરથી પેટા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતોથી જીત્યા હતા. જ્યારે, સીજે ચાવડા પણ વિજાપુરથી જીત્યા હતા. બંનેની મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી શક્યતા છે. અર્જુન મોઢવાડિયા પોતે સિવિલ એન્જિનિયર હોવાથી તેમને માર્ગ, મકાન અને જાહેર બાંધકામ વિભાગ મળે તેવી સંભાવના છે. જ્યારે સીજે ચાવડા બહોળો એડમિનિસ્ટ્રેટિવ અનુભવ ધરાવતા હોવાથી તેમને પશુપાલન અથવા મહેસુલ વિભાગ મળે તેવી શક્યતા છે.

27 સભ્યોનું મંત્રીમંડળ

ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં હાલમાં તો 17 જ મંત્રી છે. કાયદાની મર્યાદા મુજબ મુખ્યમંત્રી સહિત 27 મંત્રીઓ રાખી શકાય છે. ભારતના બંધારણના અનુચ્છેદ 164 મુજબ વિધાનસભાના સભ્યોના 15 ટકાની મર્યાદામાં સરકાર અર્થાત મંત્રીપરિષદની રચના કરી શકે છે. ગુજરાતમાં 182 સભ્યોના 15 ટકા લેખે 27.3 અર્થાત 27 સભ્યોનું મંત્રીમંડળ થઈ શકે છે. જેમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે

Scroll to Top