દાના ચક્રવાત પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં 24મીએ સાંજે અથવા 25મીએ સવારે ટકરાશે, સ્કૂલ કોલેજ બંધ

તોફાન દાનાને લઇને હવામાન વિભાગ હાઈ એલર્ટ પર છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર બુધવારે ખૂબ જ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગે(imd) કહ્યું કે ગુરુવારે મધરાત અથવા શુક્રવારે વહેલી સવારે તે ઓરિસ્સાના ભુવનેશ્વર અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. તેમજ વરસાદને જોતા બેંગલુરુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

24મીએ સાંજે અથવા 25મીએ સવારે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાશે

હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત દાના 24મીએ સાંજે અથવા 25મીએ સવારે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાશે. વિભાગે કહ્યું કે દરિયાકાંઠે અથડાયા પછી પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે વીજળી અને સંદેશાવ્યવહાર પ્રણાલીને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા કાચા ઘરોને નોંધપાત્ર નુકસાન થવાની સંભાવના છે. જો કે, લેન્ડફોલ પછી પવનની ગતિ ઘટશે. જે ઘટીને 85 થી 110 કિલોમીટર પ્રતિ કલાક થશે.

પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે

હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત દાનાને કારણે 22મી ઓક્ટોબરની રાતથી મયુરભંજ, બાલાસોર, ભદ્રક અને ક્યોઝર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. 24 ઓક્ટોબરની બપોરથી ઓડિશાના ભદ્રક, જાજપુર, કેન્દ્રપાડા, ખુર્દા, કટક, પુરી, નયાગઢ અને ગંજામ જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદ 25 થી 26 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે.

હવામાન વિભાગના અહેવાલ અનુસાર બંગાળની ખાડી પર એક લૉ પ્રેશર ઝોન સર્જાયું હતું જે હવે વાવાઝોડામાં રૂપાંતરિત થઇ ગયું છે. જેના લીધે ભારતમાં દરિયા કિનારાના રાજ્યોમાં ભારે તબાહી સર્જાઈ શકે છે. ઓડિશામાં ભુવનેશ્વર ખાતે મૉક ડ્રીલ પણ શરૂ કરી દેવામાં આવી હતી. ઓડિશાની સરકારે તો 250 રાહત કેન્દ્ર અને 500 અસ્થાયી શેલ્ટર પણ તૈયાર કરી દીધા છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) ના 1,000 જવાનોને રાજ્યના સશસ્ત્ર દળોની 30 પ્લાટુન સાથે વિવિધ જિલ્લાઓમાં તૈનાત કર્યા છે.

Scroll to Top