Gujrat Congress: ગુજરાત કોંગ્રેસમાં ઘરના ઘાતકીઓને શોધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે અમદાવાદ ખાતે આ અંગે સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ દરમિયાન પક્ષના કાર્યકરોને આપેલા દિશાનિર્દેશને ગંભીરતાથી લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે કોંગ્રેસમાં રહીને પક્ષને નુકસાન પહોંચાડનારા નેતાઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહીના સંકેત પણ આપવામાં આવ્યા છે.
પક્ષને નુકસાન કરનારા નેતાઓને ઓળખી શરૂ
મુકુલ વાસનિકે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને મજબૂત કરવા માટે આગામી દિવસોમાં અધિવેશનનું આયોજન કરવામાં આવશે. આ અધિવેશનની તૈયારીઓના ભાગરૂપે તેઓ આજે અમદાવાદ આવ્યા છે અને ગુજરાતના નેતાઓ સાથે સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરશે.તેમણે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ બે દિવસ ગુજરાતના તમામ નેતાઓ સાથે સંગઠનને મજબૂત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી અને કેટલાક મહત્વપૂર્ણ સંદેશા આપ્યા હતા. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં રહેલી ખામીઓ અને નબળાઈઓને સ્વીકારી હતી અને પક્ષને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક પગલાં લેવાનો સંકેત આપ્યો હતો.
ભાજપ સતત કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કરી રહી છે
રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો પક્ષને મજબૂત બનાવવા માટે કેટલાક નેતાઓ સામે કાર્યવાહી કરવી પડે, તો તે પણ કરવામાં આવશે અને જરૂર પડે તો 10 થી 15 લોકોને પક્ષમાંથી કાઢી મૂકવામાં પણ ખચકાટ નહીં થાય. રાહુલ ગાંધીના આ કડક વલણ બાદ ગુજરાત કોંગ્રેસમાં નવસર્જનના પ્રયાસો તેજ થયા છે અને પક્ષને નુકસાન કરતા નેતાઓને ઓળખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.મુકુલ વાસનિકે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સતત કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કરી રહી છે અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા નેતાઓને પણ ભાજપમાં ભેળવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ તમામ બાબતો પર પણ આગામી અધિવેશનમાં ચર્ચા કરવામાં આવશે અને 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તે માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે.મુકુલ વાસનિકે ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસને કયા રસ્તા પર અને કેવી રીતે ચાલવું છે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે અને પક્ષને મજબૂત કરવા માટે જે પણ કરવું જરૂરી હશે તે કરવામાં આવશે.