Holi festival: હોળી હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. ફાગણ સુદ પુનમ એટલે હોળી અને ત્યાર પછીના બીજા દિવસે ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે. આજે હોળીનો પવિત્ર તહેવાર છે, આસુરી શક્તિનો નાશ કરી દેવી શક્તિનું સન્માન કરવું એટલે હોલિકાદહન કહેવામાં આવે છે. એક લોકવાયકા અનુસાર ભગવાન વિષ્ણુના અનન્ય ભકત એવા હિરણ્યકશ્યપ્ના પુત્ર પ્રહલાદને મારવા માટે તેની ફોઈ હોલિકા દ્વારા તેને ખોળામાં લઈ અને છાણાના કરેલા ઠગલામાં બેસી જીવતી સળગાવવામાં આવી હતી. પરંતુ આ સમયે હોલિકા બળીને ભસ્મ થઈ જાય છે જ્યારે પ્રહલાદનો આબાદ બચાવ થઈ જાય છે. પ્રહલાદનો જીવ બચી જતાં ભારતભરમાં હોળીના તહેવારની ઉજવણી ઉમંગભેર કરવામાં આવે છે.
આસુરી શક્તિનો નાશ કરી દેવી શક્તિનું સન્માન કરવું
હોળીમાં છાણા અને લાકડા દ્વારા અગ્નિ પ્રચલિત કરવામાં આવે છે. હોળીની અગ્નિ નીચે એક ખાડો ખોદી અને તેમાં માટલું મુકી ચણા અને ઘઉંને બાફવામાં આવે છે અને ધૂળેટીના દિવસે સવારમાં એ પ્રસાદીના રૂપે વિતરણ કરવામાં આવે છે. હોળીમાં નારિયેળ, ધાણી, ખજુરનો હવન કરવામાં આવે છે તેમજ પાણીનો લોટો ભરી હોળી ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે છે. હોળીના તહેવારમાં દાન-પૂણ્યનું પણ મહત્વ રહેલ છે. લગ્ન કરેલી દીકરીના ઘરે પિયરપક્ષ તરફથી ખજુર, ધાણી, પતાશા, હાર, દાળિયા શકન માટે આપવામાં આવે છે.
હોળીના તહેવારમાં દાન-પૂણ્યનું મહત્વ
ધૂળેટીના પૂર્વને લઈને લોકો દ્વારા વિવિધ રંગો, બાળકો માટે પિચકારીઓ, ખજુર, દાળિયા, ધાણી, સુકુ ટોપરુ સહિતની ખરીદીઓ કરવામાં આવે છે. શહેરની મુખ્ય બજારો લોકોની ભીડથી ઉભરાયેલી જોવા મળે છે. યુવાવર્ગ અને ખાસ કરીને બાળકોમાં પ્રિય ધૂળેટી ઉજવવા અનેરો થનગનાટ જોવા મળે છે.