હાસ્યકલાકાર હકાભા ગઢવીની વ્યથા – સરકારને ખબર નથી કે શું ચાલી રહ્યું છે ?

રાજકોટ સ્થિત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અવારનવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં ઘેરાયેલી હોય છે. ત્યારે ફરીએકવાર હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન થતું હોય છે તેવો આરોપ રાજકોટ સિવિલ પર લગાવવામાં આવ્યો છે.

હાસ્યકલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, તેમની બહેનનો રોડ-અકસ્માત થયો હતો. અકસ્માત થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. તેમની બહેનને ગંભીર ઈજાઓ માથામાં થઈ હતી. આ કારણોસર રાજકોટ સિવિલમાં સિટી સ્કેન કરાવવા આવ્યા હતા. જ્યાં તેમને હોસ્પિટલમાં કડવા અનુભવો થયા હતા. સિટી સ્કેન કરવામાં 5 કલાક કરતા વધુ સમય લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મગજના ડોક્ટર પણ 3 કલાક પછી આવ્યા હતા. આ અંગે હકાભાએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો હતો.

વીડિયોમાં તેઓએ જણાવ્યું હતું કે. મારા બહેન ગરીબ માણસ છે. આખો પરિવાર ગૌશાળામાં નોકરી કરે છે. બહેન અને તેનો પરિવાર પગપાળા રાજકોટથી હળવદ માતાજીના દર્શન કરવા જતા હતા.રસ્તામાં મારી બહેનને એક ગાડીવાળાએ અકસ્માત કર્યો હતો. ગાડીવાળો ત્યાંથી ફરાર થઈ ગયો, પરંતુ મારી બહેનને બ્રેઈન હેમરેજ થયું હતું. સારવાર માટે રાજકોટ સિવિલમાં લાવ્યા હતા પરંતુ ત્યાં હોસ્પિટલમાં કડવા અનુભવ થયા હતા.લુખ્ખાગીરી કરતાં હોય તેવું વર્તન દર્દીઓ સાથે કરવામાં આવે છે તેવું પણ જણાવ્યું હતું.

મહત્વનું છે કે, હાસ્ય કલાકાર હકાભા ગઢવી એક વર્ષ પહેલા જ ભાજપમાં કાર્યકર્તા તરીકે જોડાયા હતા.

Scroll to Top