Gujarat News: શાળામાં શિક્ષકોની ઘટની પોલ વિધાનસભામાં ખુલી પડી છે. ત્રણ જિલ્લામાં જ પ્રાથમિક શાળાઓમાં 2,295 શિક્ષકોની ઘટ છે. વિધાનસભા ગૃહમાં ઉઠેલા પ્રશ્નમાં આ માહિતી સામે આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ છે. જામનગર જિલ્લામાં 818 શિક્ષકોની ઘટ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,266 શિક્ષકોની ઘટ છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
ગીર સોમનાથ જિલ્લામાં 211 શિક્ષકોની ઘટ સામે આવી છે. રાજ્ય સરકારે ખાલી જગ્યા સામે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો બચાવ કર્યો છે. જોકે જ્ઞાન સહાયકોની સંખ્યા શિક્ષકોની ખાલી જગ્યા કરતા પણ ઓછી છે. જામનગરમાં માત્ર 387 જ્ઞાનસહાયક તો દેવભૂમિ દ્વારકામાં માત્ર 122 જ્ઞાન સહાયકો છે. રાજ્ય સરકારે લાંબા સમયથી ચાલી રહેલી 13,852 વિદ્યાસહાયકોની ભરતી સામે મુકી બચાવ કર્યો હતો
જર્જરીત ઓરડાની વિગતો પણ સામે આવી
આ સિવાય શાળામાં ઓરડાઓની ઘટ અને જર્જરીત ઓરડાની વિગતો પણ સામે આવી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ૬૨૮ ઓરડાઓની ઘટ છે. દેવભૂમિ દ્વારકા ની 110 શાળાઓ માં 305 તો જામનગર જિલ્લાની 150 શાળાઓમાં 323 ઓરડાઓની ઘટ છે. અરવલ્લી જિલ્લામાં ૭૦૪ તો સાબરકાંઠા જિલ્લામાં 380 ઓરડા જર્જરીત હાલતમાં છે. સરકારે અરવલ્લીમાં 407 તો સાબરકાંઠા જિલ્લામાં 818 નવા ઓરડા બનાવ્યા છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં આ વિગતો બહાર આવી છે.વિધાનસભા ગૃહના સત્રના 11માં દિવસની શરૂઆત પ્રશ્નોતરીકાળથી થઈ હતી. જેમાં આજે શિક્ષણ વિભાગના પ્રશ્નોતરી પ્રશ્નો ચર્ચા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર સમક્ષ રાજ્યમાં શાળાની સ્થિતિ કેવી છે તે મુદ્દે પૂછ્યું કે શાળામાં ઓરડાની ઘટ છે કે કેમ તે અંગે પ્રશ્ન કર્યો હતો.