ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાના આઠ વર્ષ પૂર્ણ થયા છે. આ યોજનાથી દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં મોટો બદલાવ આવ્યો છે. ઉડાનની સફળતા અંગે મળતી માહિતી મુજબ, છેલ્લા એક દાયકામાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ સિવાય દેશમાં એરપોર્ટની સંખ્યા પણ વધીને 157 થઈ ગઈ છે. 2014માં દેશમાં 74 એરપોર્ટ હતા. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, 2047 સુધીમાં એરપોર્ટની સંખ્યા વધારીને 400 જેટલી કરવાની છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય એ કહ્યું કે ‘UDAN’ યોજનાનો ઉદ્દેશ્ય પ્રાદેશિક હવાઈ જોડાણ વધારવાનો છે. જ્યારે, તેને એટલું આર્થિક બનાવવું પડશે કે જેના કારણે નાના શહેરોના લોકો પણ સરળતાથી હવાઈ મુસાફરી કરી શકે. તેમજ એવી જગ્યાઓ પર હવાઈ સેવાઓ ઉપલબ્ધ કરાવવી પડશે જ્યાં ફ્લાઈટ સેવાઓ ઓછી હોય અથવા બિલકુલ ઉપલબ્ધ ન હોય.
પ્રાદેશિક એરલાઈન્સને ફાયદો થયો
મંત્રાલયે કહ્યું કે UDAN યોજનાએ આ આઠ વર્ષમાં હવાઈ મુસાફરીને સંપૂર્ણપણે બદલી નાખી છે. જેના કારણે ટાયર 2 અને ટાયર 3 કક્ષાના શહેરોના નાગરિકોનું હવાઈ મુસાફરીનું સપનું સાકાર થઈ રહ્યું છે. એટલું જ નહીં, હવાઈ મુસાફરી સિવાય, આ યોજનાએ ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાયને પણ પ્રોત્સાહન આપ્યું છે, જેમાં પ્રાદેશિક એરલાઈન્સને ઘણો ફાયદો થયો છે. તેમણે એક ટકાઉ બિઝનેસ મોડલ વિકસાવ્યું અને પ્રાદેશિક હવાઈ મુસાફરી ઇકોસિસ્ટમ બનાવવામાં મોટો ફાળો આપ્યો.
ઉડાન યોજના હેઠળ પ્રથમ ફ્લાઇટ 27 એપ્રિલ 2017 ના રોજ શિમલા અને દિલ્હી વચ્ચે શરૂ થઈ હતી
ઉડાન યોજના હેઠળ પ્રથમ ફ્લાઇટ 27 એપ્રિલ 2017 ના રોજ શિમલા અને દિલ્હી વચ્ચે શરૂ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય એરલાઇન્સે આગામી 10-15 વર્ષમાં ડિલિવરી માટે નવા 1,000થી વધુ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. તેનાથી લગભગ 800 એરક્રાફ્ટના હાલના કાફલામાં વધારો થયો છે. ઉડાન બજાર-સંચાલિત મોડલ પર કામ કરે છે, જ્યાં એરલાઇન્સ રૂટ પર માંગનું મૂલ્યાંકન કરે છે અને બિડિંગ રાઉન્ડ દરમિયાન દરખાસ્તો સબમિટ કરે છે.