Gujarat Weather Update: રાજ્યમાં કમોસમી વરસાદને કારણે જાન-માલની ભારે હાનિ સર્જાઇ છે. ગુજરાતમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે રાજયમાં 14 લોકોના મોત થયા છે. સોમવારે સવારે 6 વાગ્યાથી આજે (મંગળવાર) સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં એક મિમિથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તો આજે વહેલી સવારથી રાજ્યના કેટલાક જિલ્લામાં ફરીથી વરસાદ શરૂ થયો છે.
રાજ્યમાં હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે. ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા હતા.
સોમવારે સાંજના સમયે મિની વાવઝોડું ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થઇ હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
જે 14 લોકોના મોત થયા છે તેમાંથી 3 લોકોના મોત વીજળી પડવાથી, 4 લોકોના મોત ઝાડ પડવાથી, 1 વ્યકિતનું મોત દિવાલ પડવાથી, 1નું મકાન તૂટી પડવાથી, 1નું છત તૂટી પડવાથી, 2નું કરંટ લાગવાથી અને 1નું હોર્ડિંગ્સ પડવાથી મોત થયું છે. સૌથી વધુ 3 મોત વડોદરામાં થયા છે.
કમોસમી વરસાદને પગલે 26 પશુઓના પણ મોત થયા છે, સૌથી વધુ પશુઓના મોત પંચમહાલ જિલ્લામાં થયા છે. પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને પગલે 9 લોકોના મોત થયા છે તો મહેસાણામાં 7 લોકોના મોત થયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થયા છે. વીજ પોલ ધ્વસ્ત થઇ ગયા છે અને હોર્ડિંગ્સ તૂટવાની ઘટના પણ સામે આવી છે..
રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. ખેતરમાં પડેલો પાક ન પલળે તે માટે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.