12મી ફેલ એક્ટર વિક્રાંત મેસી તેની આગામી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ માટે ખુબ ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે વિક્રાંત મેસીનો રાજકીય દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે. વિક્રાંત મેસી વર્ષોથી ભાજપના ટીકાકાર રહ્યા છે. અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં તેનું કારણ પણ જણાવ્યું હતું.
મારો દૃષ્ટિકોણ બદલાયો
સાબરમતી રિપોર્ટ અભિનેતાએ કહ્યું કે લોકો બદલાય જાય છે. હું 10 વર્ષ પહેલાં જેવો વ્યક્તિ હતો તેવો રહ્યો નથી. હું આશા રાખું છું કે, આવતા 10 વર્ષ પછી, હું જેવો છું તેવો વ્યક્તિ નહીં રહીશ. હું એમ નથી કહેતો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વસ્તુઓ પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ બદલાયો છે. હું હજુ પણ એક બિનસાંપ્રદાયિક વ્યક્તિ છું. વિક્રાંતે કહ્યું કે તે ફેરફારોને સ્વીકારી રહ્યો છે અને તેને જે નવા દૃષ્ટિકોણ મળી રહ્યા છે તે અપનાવી રહ્યા છે.
દેશના વિવિધ વિસ્તારમાં ફર્યો
12મી ફેલ અભિનેતાએ કહ્યું કે દેશના ઘણા બધા વિસ્તારમાં હું ફર્યો છું. અનેક લોકો સાથે વાતચીત કર્યા પછી મારા દ્રષ્ટિકોણમાં પરીવર્તન આવ્યો છે. કેટલીક બાબતો જે મને પહેલા ખોટી લાગતી હતી, આજે મને નથી લાગતું. વસ્તુઓ એટલી ખરાબ નથી જેટલી મેં વિચારી હતી.
15 નવેમ્બરે બોક્સઓફિસ પર રીલીઝ થશે
ધ સાબરમતી રિપોર્ટ ધીરજ સરના દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ દેશની સૌથી મોટી અને સૌથી દર્દનાક ઘટના પર આધારિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ઘટનાને ઉજાગર કરશે. ફિલ્મમાં વિક્રાંત મેસી ઉપરાંત રાશિ ખન્ના, સંદીપ વેદ, નાઝનીન પટની, પ્રિન્સ કશ્યપ, રોહિત અમેરિયાએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે બોક્સઓફિસ પર રીલીઝ થશે.