છેલ્લા કેટલાક દિવસો ક્રિકેટ જગત માટે ઘણા ચોંકાવનારા રહ્યા છે. તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડે તેના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. હવે વેસ્ટ ઈન્ડિઝે પણ શ્રીલંકા સામે ઐતિહાસિક શ્રેણી જીતી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી 3 મેચની ODI શ્રેણીમાં યજમાન શ્રીલંકાએ 2-1થી જીત મેળવી હતી. પરંતુ શ્રેણીની છેલ્લી મેચ વેસ્ટ ઈન્ડિઝના નામે રહી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના જીતનો હીરો એક એવો ખેલાડી હતો જેને 3 વર્ષ બાદ ODI ટીમમાં રમવાની તક મળી હતી.
ઈવિન લુઈસે 3 વર્ષ બાદ વાપસી કરી અને સદી ફટકારી
શ્રીલંકામાં રમાયેલી આ શ્રેણીની છેલ્લી મેચમાં વરસાદને કારણે રોકાઈ ગઈ હતી. જેના કારણે દર્શકોને ODIની મેચમાં T20નો આનંદ માણવા મળ્યો હતો. શ્રીલંકાની ટીમે 23 ઓવરમાં 156 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદના કારણે ડકવર્થ લુઈસ નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝને 23 ઓવરમાં 195 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે આ લક્ષ્ય માત્ર 22 ઓવરમાં હાંસલ કરીને બધાને ચોંકાવી દીધા હતા. વેસ્ટ ઈન્ડિઝની આ શાનદાર જીતમાં સૌથી મોટી ભૂમિકા એવિન લુઈસની હતી. તેમણે અણનમ સદી ફટકારી હતી.
ઈવિન લુઈસના બળ પર વેસ્ટ ઈન્ડિઝે જીત મેળવી હતી
વેસ્ટ ઈન્ડિઝની ટીમે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. એવિન લુઈસ માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. તેને 3 વર્ષ બાદ વેસ્ટ ઈન્ડિઝ માટે ODI મેચ રમવાની તક મળી હતી. તેણે આ મેંચમાં 61 બોલમાં અણનમ 102 રન બનાવ્યા. લુઈસે પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સાથે તે વેસ્ટ ઈન્ડિઝ માટે ODIમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો. વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બ્રાયન લારા છે. તેણે 1999માં બાંગ્લાદેશ સામે 45 બોલમાં સદી ફટકારી હતી. ક્રિસ ગેલે 2019 માં ઇંગ્લેન્ડ સામે 55 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે આ યાદીમાં એવિન લુઈસ પણ સામેલ થઈ ગયો છે. આ જીત વેસ્ટ ઈન્ડિઝ માટે પણ ઘણી રીતે ખાસ હતી. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝની ટીમે શ્રેણીમાં ક્લીન સ્વીપ ટાળી હતી. આ ઉપરાંત તેમણે 19 વર્ષ બાદ શ્રીલંકામાં વનડે મેચ જીતવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે અગાઉ 2005માં ઘરઆંગણે વનડે મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું.