વડોદરાના કોયલીમાં મોતની વિકરાળ આગ, બેના મોત અનેક ઈજાગ્રસ્ત

વડોદરાના કોયલીમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની રિફાઈનરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ લાગેલી આગ પર કલાકોની જેહમત બાદ આજે વહેલી સવારે કાબૂ મેળવાયો હતો. હાલ IOCLમાં કૂલિંગની કામગીરી શરૂ કરાઇ હતી. કોયલીની IOCLમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં બેના મોત થયા છે. શૈલેષ મકવાણા અને ધીમંત મકવાણા નામના વ્યક્તિનું મોત થયું છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ નલિન ચૌધરી વડોદરા પહોંચ્યા હતા. નલિન ચૌધરી રિફાઈનરીમાં આગ લાગવાનો રિપોર્ટ તૈયાર કરશે.

આગમાં બે વ્યક્તિના મોત

સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતી કે આસપાસના વિસ્તારોમાં મકાનના કાચ તૂટી ગયા હતા. સોમવારે બપોરે સાડા ત્રણ વાગ્યે ઘટના બની હતી. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમે મોરચો સંભાળ્યો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે નંદેશરી, ભરૂચ, અંકલેશ્વર સહિત આસપાસની કંપનીઓના ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી.

આગ પર કાબુ મેળવવા 35 ફાયરની ગાડી કામે લાગી હતી

આગ પર 5 કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો હતો. જેમાં ઈજાગ્રસ્ત થયેલા કોન્ટ્રાક્ટના કર્મચારી ધીમંત મકવાણાનું સારવાર સમયે મોત નિપજ્યું હતું. જો કે આગ પર કાબૂ મેળવાયા બાદ મોડી સાંજે બીજો બ્લાસ્ટ થયો હતો. જેને લઈ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. અમદાવાદ, આણંદ સહિતના ફાયર સ્ટેશનમાં પણ જાણ કરાઈ હતી અને 35થી વધુ ફાયરની ગાડીઓ કામે લગાડવામાં આવી હતી.

10 હજારથી વધુ કર્મચારીઓ કામ કરી છે

IOCLમાં આગની ઘટના બાદ આજે રિફાઈનરી બહાર મોટી સંખ્યામાં કામદારો એકઠા થયા હતા. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે પ્રચંડ ધડાકો થયા બાદ સુપરવાઈઝરે અમને એક સ્થળે ખસેડ્યા હતા. આગને લીધે આસપાસમાં ફાયરનું સાયરન સંભળાતુ હતું. આગ વિકરાળ બનતા એક બાદ એક કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. IOCL ફેકટરીમાં અંદાજે 10 હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

 

 

 

 

Scroll to Top