ફારૂક અબ્દુલ્લાએ પાકિસ્તાનને આપી ચેતવણી, ભારત સાથે સારા સંબધ રાખવા હોય તો આતંકવાદ બંધ કરો

રવિવારે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલો થયો હતો. જેમાં સાત લોકોના મોત થયા છે. આ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી.

ગરીબ મજૂરો રોજીરોટી મેળવવા કાશ્મીર આવે છે

ફારુક અબ્દુલ્લાએ ગાંદરબલ આતંકવાદી હુમલા પર કહ્યું કે, ‘આ ખૂબ જ દર્દનાક ઘટના છે. ઘણા ગરીબ મજૂરો રોજીરોટી મેળવવા કાશ્મીર આવે છે. ગઈકાલે આ આતંકીઓ એ તેમને શહીદ કરી દીધા. આ સાથે લોકોની સેવા કરતા અમારા ડોક્ટરે પણ પોતાની જીવ ગુમાવ્યો છે. હવે તમે જ કહો કે આમાં તે આતંકીઓને શું મળ્યું? શું તેમને એવું લાગે છે કે આવું કરવાથી અહી પાકિસ્તાન બની જશે?

ભારત સાથે મિત્રતા કરવા માંગતા હોય તો આવા કામ આ બંધ કરો

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અમે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે તે લોકો અહીં આવી રહ્યા છે. અમે આ મામલાને ખતમ કરીને મામલો આગળ વધે એવો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવી શકીએ છીએ. હું પાકિસ્તાનના શાસકોને કહેવા માંગુ છું કે જો તેઓ ખરેખર ભારત સાથે મિત્રતા કરવા માંગતા હોય તો આવા કામ આ બંધ કરો. કાશ્મીર પાકિસ્તાન નહીં બને. નહીં બને, નહીં બને.’

પાકિસ્તાનનો 75 વર્ષમાં કોઈ વિકાસ નથી થયો

વધુમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ‘મહેરબાની કરીને અમને સન્માન અને પ્રગતિ સાથે જીવવા દો. ક્યાં સુધી તમે હુમલો કરતા રહેશો? તમે 1947 થી શરૂઆત કરી છે. નિર્દોષોને માર્યા એમાં શું પાકિસ્તાનનો વિકાસ થયો? પાકિસ્તાનનો 75 વર્ષમાં વિકાસ નથી થયો તો આજે કેવી રીતે થશે? અલ્લાહ માટે, તમારા દેશ તરફ ધ્યાન આપો અને અમને અમારા ભગવાન પર છોડી દો. અમે અમારા દેશનો વિકાસ કરવા માંગીએ છીએ, ગરીબી દૂર કરવા માંગીએ છીએ, આમ જ ચાલતું રહેશે તો આગળ કેવી રીતે વધીશું?’

 

 

 

Scroll to Top