ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરી હતી. પાર્ટીએ અત્યાર સુધીમાં 66 ઉમેદવારોની પહેલી જમ્બો યાદી બહાર પાડી હતી. જો કે, આ યાદી બહાર આવતા જ ભાજપમાં ભાગમભાગ મચી ગઈ હતી. એક પછી એક જૂના કાર્યકરો પાર્ટી છોડવા લાગ્યા છે.
ગણેશ મહાલીએ પાર્ટીને અલવિદા કહી દીધું
સરાયકેલા વિધાનસભા પરથી અગાઉના ભાજપના ઉમેદવાર ગણેશ મહાલીએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ વખતે તે જેએમએમની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. પાર્ટી છોડ્યા બાદ તેમણે કહ્યું કે, ‘હવે ભાજપ પહેલા જેવી નથી રહી.’
અમારા માર્ગમાં અવરોધ ઊભો કર્યો
ચંપાઈ સોરેન પર પ્રહાર કરતા ગણેશ મહાલી કહ્યું કે ‘ચંપાઈ સોરેને દિલ્હી જઈને અમારા માર્ગમાં અવરોધ ઊભો કર્યો છે. આગામી દિવસોમાં તેના પરિણામો ચોક્કસપણે જોવા મળશે.’ ગણેશ મહાલી ઉપરાંત પોટકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મેનકા સરદારે પણ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
ભાજપ છોડીને જેએમએમમાં જોડાયા
શનિવારે (19મી ઓક્ટોબર) પૂર્વ પોટકાના ધારાસભ્ય મેનકા સરદારે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. વર્ષ 2019માં તે JMMના સંજીવ સરદાર સામે ચૂંટણી હારી ગઈ હતી. આ પહેલા જમુઆના વર્તમાન ધારાસભ્ય કેદાર હઝરા પણ થોડા દિવસો પહેલા જ ભાજપ છોડીને જેએમએમમાં જોડાયા હતા.