22 નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થવાની છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયા ચોક્કસપણે થોડી ચિંતિત હશે પરંતુ એ પણ એટલું જ સાચું છે કે ઓસ્ટ્રેલિયા બુમરાહનો ડર અનુભવી રહી છે. અહેવાલ અનુસાર બુમરાહ 1970ના વેસ્ટ ઈન્ડિઝના પેસ આક્રમણ પછી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર પ્રથમ વિદેશી બોલર છે જેનો ડર ઓસ્ટ્રેલિયાની ટીમને દેખાઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં બુમરાહે 32 વિકેટ લીધી
ઓસ્ટ્રેલિયાના છેલ્લા બે સિરીઝમાં બુમરાહે 21.25ની એવરેજથી 32 વિકેટ લીધી છે. જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 33 રનમાં 6 વિકેટનું રહ્યું છે. 2018ના પ્રવાસ દરમિયાન બોક્સિંગ ડે ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું.ઑસ્ટ્રેલિયામાં બુમરાહ કરતાં ઓછી સરેરાશ અને વધુ વિકેટ ધરાવતા માત્ર બે જ બોલર છે. તેમાંથી એક સર રિચાર્ડ હેડલી અને બીજા સર કર્ટલી એમ્બ્રોસ.
વિચિત્ર એક્શન
બુમરાહની એક ખાસિયત તેની વિચિત્ર એક્શન છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજાનું કહેવું છે કે તેની આ એક્શનને કારણે તેના બોલ ઝડપથી આવે છે. તેણે કહ્યું કે પહેલીવાર બુમરાહનો સામનો કર્યો હતો ત્યારે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે આટલો ઝડપી બોલ ક્યાંથી આવ્યો? બુમરાહની ક્ષમતાનું વર્ણન કરતાં શેન વોટસને કહ્યું કે જ્યારે તેણે 2016માં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ પ્રવાસ કર્યો ત્યારે તે માત્ર એક ઇનસ્વિંગ બોલર હતો. પરંતુ, હવે તે બોલને બંને બાજુથી સ્વિંગ કરે છે. આ સિવાય બોલિંગમાં ભિન્નતા અને ઝડપ પર નિયંત્રણ તેને વધુ ખતરનાખ બનાવે છે.
જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
બોર્ડર-ગાવસ્કર સિરિજની પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. જસપ્રીત બુમરાહ આ મેચ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. રોહિતની ગેરહાજરીમાં બુમરાહને જવાબદારી સોંપવામાં આવશે. રોહિત મુંબઈમાં છે અને પુત્રના જન્મ પછી ત્યાં જ રહેવા માંગે છે. બુમરાહ ટીમ ઈન્ડિયાનો અનુભવી ઝડપી બોલર છે.
પ્રથમ ટેસ્ટમાં રાહુલ અને યશસ્વી ઓપનિંગ કરી શકે છે
ટીમ ઈન્ડિયાનો અનુભવી ખેલાડી કેએલ રાહુલ પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. રાહુલ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તેણે નેટ્સમાં ઘણી બેટિંગ પણ કરી છે. રાહુલ અને યશસ્વી જયસ્વાલ પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કરી શકે છે. રાહુલે ભારત માટે 53 ટેસ્ટ મેચમાં 2981 રન બનાવ્યા છે.