ગુજરાત સરકારે વધુ એક વખત સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે. રાજ્યના વધુ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. નર્મદા અને જળ સંપત્તિ વિભાગના 5 અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા છે.
5 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં કામ કરતા જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલા નામના અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત કર્યા છે. તમને જણાવી દઈએ કે જશવંતસિંહ મગનભાઈ પરમાર નામના અધિકારી વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા હતા તો પ્રદિપભાઈ વજાભાઈ ડામોર નામના અધિકારી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ નામના અધિકારી પણ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ફરજ બજાવતા હતા.જ્યારે બાબુભાઈ રામાભાઈ દેસાઈ સુજલામ સુફલામ વર્તુળ નંબર 2માં મહેસાણામાં ફરજ બજાવતા હતા અને અરવિંદભાઈ ભીખુભાઈ માહલા નામના અધિકારી સુરત હસ્તક ડ્રેનેજ ડિઝાઈન પેટા વિભાગમાં ફરજ બજાવતા હતા. જેમને તાત્કાલિક અસરથી રાજય સરકારે નિવૃત કર્યા છે.
ઓરરેશન ગંગાજળ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે સરકારે લાલ આંખ કરી હતી અને વધુ બે સરકારી કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હતા. ભિલોડા, સુરત ITIના પ્રિન્સિપાલને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હતા. ભરત રાવલ અને હસમુખ કાકડીયાને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવતા અન્ય કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
3 દિવસમાં 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે દિવાળી બાદ 3 દિવસમાં 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. ભ્રષ્ટ્રાચારની વાતને લઈ અધિકારીઓને નિવૃત કરવામાં આવ્યા હતા, સાથે સાથે અત્યાર સુધી રાજ્યમાં કુલ 25 અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા છે. તેમજ નિવૃત્તિ બાદ તમામ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ રહેશે.