ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને ટેક્સ ફ્રી કરી છે. તેમણે ફિલ્મની પ્રશંસા કરતા કહ્યું કે, આ ફિલ્મ ઘટનાની સત્યતાને ઉજાગર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ જોઇ હતી. ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા.ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે.
X પર ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે x પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં ગોધરામાં બનેલી ઘટનાની સત્યતાને લોકો સમક્ષ રજૂ કરવાનો ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.
ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ પર નિંદનીય ઘટના – સીએમ
તેમણે પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ પર હુમલાની અત્યંત દુ:ખદ અને નિંદનીય ઘટના પાછળનું સત્ય વર્ષોથી દેશના નાગરિકોથી છૂપાયેલું હતું. આની પાછળ એક આખી ઇકોસિસ્ટમ હતી અને રાજકીય ફાયદા માટે લોકો સમક્ષ ખોટી વાર્તા રજૂ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. #SabarmatiReport… ફિલ્મ દ્વારા આ ઘટનાના સત્યને ઉજાગર કરવાનો સાહસિક પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર જીને મળ્યા પછી મને આ ફિલ્મ ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો અને અમદાવાદના નાગરિકો સાથે જોવાની તક મળી. આ ઘટનાનું સત્ય દેશ સમક્ષ લાવવા બદલ ફિલ્મ પ્રોડક્શન ટીમ અને કલાકારોનો હૃદયપૂર્વક આભાર.
મધ્યપ્રદેશમાં પણ કરમુક્ત
આ ફિલ્મને ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશમાં કરમુક્ત જાહેર કરવામાં આવી હતી. આ જાહેરાત મધ્યપ્રદેશના સીએમ ડો. મોહન યાદવે ભોપાલમાં કરી હતી અને કહ્યું હતું કે ફિલ્મમાં ભૂતકાળની ઘટનાઓને તથ્યપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવામાં આવી રહી છે, જેથી વધુને વધુ લોકો તેને જોઈ શકે.