નકલી આઇપીએસ, નકલી ટોલનાકુ, નકલી કચેરી બાદ નકલી કોર્ટ અને નકલી જજનો પર્દાફાશ થયો છે. જેમાં નકલી કોર્ટ કચેરીઓ ઉભી કરી અબજો રૂપિયાની સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આરબીટ્રેશન ઉભુ કરીને જજ તરીકે હુકમો કરવામાં આવતા હતા. આ મામલે કોર્ટમાં થયેલ દીવાની દરખાસ્તથી સમગ્ર મામલે ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ કોર્ટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવીલ કોર્ટના જજ જે.એલ. ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો છે. જેના આધારે સિટી સિવીલ કોર્ટના રજિસ્ટ્રારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોર્ટે નકલી કોર્ટમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર,સીપીયુ સહિતના ઉપકર્ણો જપ્ત કરવા પોલીસને આદેશ કર્યો છે.
સ્ટેટેમેન્ટ કહ્યું ડૉ. મોરીશ સેમ્યુઅલ ક્રિશ્વિયન આર્બીટ્રેશન જજ તરીકે કામ કરુ છું
બોગસ આર્બીટ્રેશન કોર્ટ ઉભી કરનાર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનની કોર્ટે સ્ટેટેમેન્ટ નોંધ્યુ હતુ. જેમાં તેને કોર્ટને જણાવ્યુ હતુ કે, ડૉ. મોરીશ સેમ્યુઅલ ક્રિશ્વિયન આર્બીટ્રેશન જજ તરીકે કામ કરુ છું અને ગાંધીનગર રહુ છુ. કોર્ટમાં રજૂ થયેલ દરખાસ્ત સાથે આર્બીટ્રેટર કેસના ફાઈનલ એવોર્ડ બતાવીને ચુકાદો તમે આપ્યો છે તે સંદર્ભે મોરીશ સેમ્યુઅલે કોર્ટને જણાવ્યુ હતુ ,કે ફાઈનલ એવોર્ડ મેં આ કામમાં આપેલ છે અને તેમાં મારી સહી છે.
ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આખીય નકલી કોર્ટ ઉભી કરી હતી
પ્રાથમિક તપાસમાં એવી વિગત ખુલી છે કે, નકલી જજએ ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આખીય નકલી કોર્ટ ઉભી કરી હતી. જ્યાં તેણે હાઇકોર્ટના જસ્ટિસ પાસે હોય તેવું ડાયસ બનાવ્યું હતું. ઉપરાંત એક ચોપદાર પણ રાખ્યો હતો તે જ્યાં જાય ત્યાં આગળ ચોપદાર રહેતો હતો અને તે ડાયસ પર બેસીને જજ હોય તેમ જ બોગસ ઓર્ડરો કરતો હતો.
નકલી જજ ચાની કિટલીઓ પર મિટીંગ કરતો
નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિન અમદાવાદ, ગાંધીનગરમાં આવેલ કરોડોની સરકારી જમીન શોધી કાઢતો હતો. ત્યારબાદ તે વ્યક્તિઓ ઉભા કરતો હતો અને તેમની સાથે ચાની કિટલીઓ પર મિટીંગ કરતો હતો. ત્યારબાદ જે વ્યક્તિને તૈયાર કર્યા હોય તેમના મારફતે આર્બીટેશનમાં(પોતાની કોર્ટમાં જ) અરજીઓ કરાવતો હતો અને ત્યારબાદ બે પાનાનો આદેશ કરી તે મિલકત તાત્કાલીક અસરથી જે તે વ્યક્તિને સોંપવા આદેશ કરી આપતો હતો. જો કે, તે આદેશનું પાલન કરાવવા કોર્ટમાં અરજી થતા સમગ્ર મામલે પર્દાફાશ થયો છે.