શનિવારે ઈરાન પર હુમલો કરીને ઈઝરાયેલે ફરી મધ્ય પૂર્વમાં મોટા યુદ્ધનો ભય સતાવી દીધો છે. ઈરાન, લેબનોન, સીરિયા અને ઈરાકમાં પોતાના હુમલાનો વ્યાપ વધારવાની સાથે ઈઝરાયેલ ગાઝામાં હુમલાઓ ચાલુ રાખી રહ્યું છે. મીડીયા રીપોર્ટસ અનુસાર ઉત્તર ગાઝામાં 6 ઈઝરાયલી ઈમારતો પર થયેલા હુમલામાં 45 લોકોના મોત થયા છે. ઇઝરાયેલના નવા હુમલામાં ગાઝામાં નાગરિક ઇમારતોને નિશાન બનાવવામાં આવી હતી. જેમાં 45 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તથા ઘણા લોકોને કાટમાળ માંથી બચાવી લેવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝામાં માનવીય સંકટ ચરમસીમાએ છે. ઈઝરાયેલના હુમલાઓ અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી.
ગાઝામાં ઓછામાં ઓછા 42 હજાર લોકોએ જીવ ગુમાવ્યા
એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ગાઝામાં ઓછામાં ઓછા 42 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક લાખથી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી સેનાના હવાઈ હુમલાને કારણે ગાઝાનું લગભગ 75 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યું છે, અને માનવતાવાદી સહાય પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે ગાઝાના લાખો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસના હુમલામાં લગભગ 1100 ઇઝરાયેલીઓ માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
UNએ ચિંતા વ્યકત કરી
ફ્રાન્સેસ્કા અલ્બેનિસ ઇઝરાયેલના કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશોના યુએનના વિશેષ દૂત કહે છે કે, ગાઝાની સમગ્ર વસ્તી નરસંહારમાં મૃત્યુના જોખમમાં છે. કાઉન્સિલ ઓન અમેરિકન ઈસ્લામિક રિલેશન્સ (CAIR)એ પણ અમેરિકાને પેલેસ્ટાઈનની આખી વસ્તીના વિનાશને રોકવા માટે હાકલ કરી છે.
ઈરાનના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા 4 સૈનિકોના મોત પર ઈરાનના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ શનિવારે સવારે હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારજનોને મળ્યા હતા. સર્વોચ્ચ નેતાએ હુમલા બાદ કહ્યું હતું કે, ઈઝરાયેલ હુમલાની અસરને મોટી બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.