અમેરિકામાં દર વર્ષે 10 લાખ લોકોને ગ્રીન કાર્ડ આપે છે
યુએસ સરકાર દ્રારા દર વર્ષે ગ્રીન કાર્ડ લોટરીનું આયોજન કરે છે
ઘણા ભારતીયો અમેરિકામાં જઈને સ્થાયી થયા છે, જ્યારે વિશ્વભરમાંથી ઘણા લોકો અમેરિકામાં જઈને રહે છે. એવા લોકો માટે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું કોઈ સપનાથી ઓછું નથી. તે કાયમી રહેઠાણનો દસ્તાવેજ છે જે ધારકને યુએસમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. પરંતુ સવાલ એ થાય છે કે દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? અને ખાસ કરીને ભારતીયો માટે આ સંખ્યા શું છે? ચાલો જાણીએ.
અમેરિકામાં દર વર્ષે 10 લાખ લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે
ગ્રીન કાર્ડ યુએસ સરકાર દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર દસ્તાવેજ છે. આ દસ્તાવેજ ધારકને અમેરિકામાં કાયમી નિવાસીનો દરજ્જો આપે છે. ગ્રીન કાર્ડ ધારકોને રહેવા, કામ કરવાની, શાળાએ જવાની અને પરિવારના સભ્યોને અમેરિકા લાવવાની છૂટ છે. ગ્રીન કાર્ડને યુનાઇટેડ સ્ટેટ્સ પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ કહેવામાં આવે છે. ગ્રીન કાર્ડ યુએસ નાગરિકતા પ્રાપ્ત કરવા માટે મૂળભૂત પગલું છે. અમેરિકામાં દર વર્ષે 10 લાખ લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે.
યુએસ સરકાર ગ્રીન કાર્ડ લોટરીનું આયોજન કરે છે
ગ્રીન કાર્ડ માટે ઘણી રીતે અરજી કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમારા કોઈ નજીકના સંબંધીઓ અમેરિકન નાગરિક અથવા કાયમી નિવાસી છે, તો તમે તેમના દ્વારા ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકો છો. આ સિવાય જો કોઈ અમેરિકન કંપનીને તમારી સેવાઓની જરૂર હોય તો તે તમારા માટે ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. ઉપરાંત, દર વર્ષે યુએસ સરકાર ગ્રીન કાર્ડ લોટરીનું આયોજન કરે છે જેમાં વિશ્વભરના લોકો ભાગ લઈ શકે છે અને જો તમે અન્ય દેશમાં અત્યાચાર કે હિંસાનો ભોગ બન્યા હોવ તો, તમે અમેરિકામાં શરણાર્થી અથવા રાજકીય આશ્રય માટે અરજી કરી શકો છો.