અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંને નેતાઓએ ચૂંટણી પ્રચારમાં પૂરા પ્રયાસો લગાવી દીધા છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ-ઇપ્સોસના ચૂંટણી સર્વે અનુસાર, કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં માત્ર 1 ટકા પોઇન્ટથી આગળ છે. આ લેટેસ્ટ સર્વે મુજબ 44 ટકા જનતા કમલા હેરિસને વોટ કરી શકે છે જ્યારે 43 ટકા જનતા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં વોટ આપી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જોરદાર ટક્કર
વિવિધ ન્યૂઝ એઝન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના ચૂંટણી સર્વેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ચૂંટણી સર્વેમાં કમલા હેરિસ માત્ર 1 વોટ ટકાવારીથી ટ્રમ્પ કરતાં આગળ હતા. કમલા હેરિસ (50 ટકા) નેશનલ લેવલ પર ડોનાલ્ડ ટ્રમ્પ (49 ટકા) કરતાં આગળ છે. એબીસી ન્યૂઝના સર્વે અનુસાર, કમલા હેરિસને 51 ટકા અને ડોનાલ્ડ ટ્રમ્પને 47 ટકા વોટ મળવાની આશા છે.
અમેરીકાના લોકોનો અલગ અલગ મત
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બરે યોજાવાની છે. વર્તમાનમાં અમેરિકામાં રોજગાર એક મોટો મુદ્દો છે. અમેરિકન જનતાને આકર્ષવા માટે બંને પક્ષો રોજગારને ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યા છે. સર્વે અનુસાર, 47 ટકા લોકો માને છે કે, રોજગાર, અર્થતંત્ર અને બેરોજગારી દૂર કરવાના મામલામાં ટ્રમ્પનો અભિગમ બરાબર છે. 37 ટકા લોકોને લાગે છે કે, કમલા હેરિસ આ બેરોજગારી મુદ્દાઓને દૂર કરવામાં ટ્રમ્પ કરતાં વધુ સારી રાષ્ટ્રપતિ હશે.
સાત રાજ્યો પરીણામ નક્કી કરશે
અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં સ્વિંગ સ્ટેટ્સ મોટી ભૂમિકા ભજવે છે. અમેરિકામાં આવા સાત રાજ્યો છે, જેને સ્વિંગ સ્ટેટ્સ કહેવામાં આવે છે. વાસ્તવમાં આ રાજ્યોમાં રહેતા મતદાતાઓ કઈ પાર્ટીને મત આપી શકે તે અંગે સ્પષ્ટપણે કંઈ કહી શકાય નહીં. તેથી ઉમેદવારની જીત કે, હાર આ રાજ્યોના પરિણામો પર જ નક્કી થાય છે. બંને નેતાઓ આ સ્વિંગ સ્ટેટ્સના લોકોને આકર્ષવામાં વ્યસ્ત છે.